Tuesday 30 April 2013

પંચાતીયું ગામ ........


ક્યાં ને કોની થઇ દિવાળી?, સૌ પ્રથમ તો એ કહો!
કોની કિસ્મત થઇ છે કાળી?, સૌ પ્રથમ તો એ કહો!

પંચાતીયું આ ગામ છે! પંચાત એનું કામ છે!
ક્યાં ખુલી ચર્ચાની લારી? સૌ પ્રથમ તો એ કહો!

કોણ કોનું લઇ ગયું? કોણ કોનું ખઈ ગયું?
કોની પોલો થઇ ઊઘાડી? સૌ પ્રથમ તો એ કહો!

દિવાલ આગળ કાન છે! આ જરૂરી કામ છે!
કોને ત્યાં કેટલી છે બારી! સૌ પ્રથમ તો એ કહો!    

ઘર ઘર બધા ફરતાં હશે! ચર્ચા બધી કરતા હશે!
કોના છે શું હાલ આજે?? સૌ પ્રથમ તો એ કહો!

                                                     - 'સત્ય' શિવમ 


તમારી અસર લાગે છે......!








મેહકી રહ્યો છે આજે પવન! તમારી અસર લાગે છે!,
નીખરી ગયું છે આખું ચમન! તમારી અસર લાગે છે!,

સૂરજનાં કિરણો ધરતીને ચુંમી, પ્રકાશિત કરે છે વાતાવરણને,
આવ્યા તમે ત્યાં ચમક્યું ભુવન! તમારી અસર લાગે છે!

કોના છે પગરવ? કોની છે આહટ? ચારો દિશાઓ ગુંજી રહી છે!
આજે ઉષા પણ થંભી ગઈ છે! તમારી અસર લાગે છે! 

પૂછ્યું નાં મુજને કોઈએ કદી પણ! કેવી છે હાલત? કેવું છે જીવન? 
આવ્યા તમે ત્યાં મેહફીલ ભરે છે! તમારી અસર લાગે છે!

કેવી સફર છે? કેવો છે રસ્તો? ના સુરજ ઢળે છે! ના કેડી ખૂટે છે!
ડગ પણ અચાનક થંભી ગયા છે! તમારી અસર લાગે છે!

મુજને વિચારો ઘેરી વળે છે! સ્વપ્ને મળો ત્યાં ગઝલ પણ બને છે!
શેર પણ ગઝલનાં બોલી ઉઠ્યા છે! તમારી અસર લાગે છે!

વિરહની છે વેળા! કપરા છે દિવસો! નાં શ્વાસો ખૂટે છે! નાં નાડી તૂટે છે!
ઝખ્મી હૃદય પણ ધડકી રહ્યું છે! તમારી અસર લાગે છે!

છે કંઈક દિવ્ય શક્તિ આબોહવામાં! હર ડાળ પર પંખી કલરવ કરે છે!
આજે રદીફ પણ બોલી રહ્યો છે! તમારી અસર લાગે છે!

                                                                                    - 'સત્ય' શિવમ 
   

 

છોડી ગઈ તો.........






છોડી ગઈ તો હાલ બસ, પછી વળી જોઈ જજે!
પ્રેમ જો ના થાય તો બસ, બંધનો તોડી જજે!

આ ફૂલ ચોરી પણ તને સંતોષ જો નાં થાય તો!
બાકી રહેલાં કંટકો પણ બાગથી ચોરી જજે!

બસ કયામત પ્રેમમાં આવી ગઈ છે એ હદે!
વિશ્વાસ જો નાં હોય તો આ કાળજું ખોલી જજે!

ખેંચે તને કોઈ દોર તો હું છુટ આપું હું તને!
પ્રેમની આ ગાંઠ પણ, તું હાથથી ખોલી જજે!

મારાં સમા અહી અશકો, કોઈ હાટમાં મળતાં નથી!
ત્રાજવું જો હોય તો, આ પ્રેમ પણ તોળી જજે!

છે હવે જે હાલ એ, હર આશિકોનો હોય છે! 
ખાતરી કરવા બધો, ઈતિહાસ તું ખોલી જજે!

ના કર પરખ કે 'સત્ય' કેટલું વાતમાં મારી હતું!
ઝેરનાં એ પારખાં મારા વતી છોડી જજે!

                                                       - 'સત્ય' શિવમ 
 


જોઈએ મને પણ.......




જોઈએ મને પણ આ હૃદયમાં, હવે કંઈક શમન જેવું!
લાગી રહ્યું છે કંઈક ભિતર ભાવનાનાં દહન જેવું!

ઊગે ભલે પંકજ મહી, આપો મને પણ કમળ જેવું!
કર્કશ ધ્વનિથી ત્રાસી ગયો છું! જોઈએ મને પણ કવન જેવું!

ખેડી ગયો છું એમતો હું! એવું ઘણુંય સફર જેવું!
સમજી ધરાને મેં પથારી! આકાશને મેં ભવન જેવું!

પ્રતિબિંબ જોયું જ્યાં મેં જળમાં, ઉઠ્યું અચાનક વમળ જેવું!
ભીતર જે મુજને ખેચી ગયું'તું! પાણીમાં એ ભવર જેવું!

જોતાં હું જેને થંભી ગયો તો! કંઈક હતું એ નજર જેવું!
જે કાનમાં કંઈ બોલી ગયું'તું! લાગ્યું મને એ કથન જેવું!

જ્યાં થયું'તું આગમન ત્યાં, ઘડીમાં થયું ગમન જેવું!
હજુ'ય થોડું જીવવું'તુ મારે! મારે થવું'તુ અમર જેવું!

ઉષ્મા'ય અંદર સ્પર્શી ગઈ'તી લાગ્યું મને પણ તપન જેવું!
ભડકો થયો જ્યાં આત્માનો! એવું થયું'તું હવન જેવું!

જોઈએ મને પણ આ હૃદયમાં, હવે કંઈક શમન જેવું!
લાગી રહ્યું છે કંઈક ભિતર ભાવનાનાં દહન જેવું!

                                                                - 'સત્ય' શિવમ  


 

સંસાર છોડ, ઘરબાર છોડ!

સંસાર છોડ, ઘરબાર છોડ!
વિતી ગયાની દરકાર છોડ!

જીવે છે શું! તું ગતિમય બની?
ઘડીયાળની આ રફતાર છોડ!

કઈ યુધ્ધથી એ વળતું નથી!
તલવાર-ઢાલ, અસવાર છોડ!

તું પર થઇને તું 'હું' થી હવે!
આ માન ને આ અપમાન છોડ!  

શું થશે? કેવું થશે?
તું ભાવિનાં આ અણસાર છોડ!

અશ્રું મહી તું ડૂબી ગયો!
આ આંખથી તું મલ્હાર છોડ!

 ચલ જળ સમો તું થઇ જા હવે!
આ દેહનો તું આકાર છોડ!

ક્યાં મરણ! ક્યાં જીંદગી!
કોઈ એકનો તું ચલ હાથ છોડ!

કર ફેંસલો તું આજે હવે!
બાકી બધાનો વ્યવહાર છોડ!

મીઠા વચન છોડીને બસ!
મુખથી બધા'ય અંગાર છોડ!

                                       - 'સત્ય' શિવમ 

          
 

Saturday 27 April 2013

નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!






 


ક્યાંરે અચાનક બે આંખો મળી,
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!
એમ તો કેટલી'ય વાતો કરી! પણ,
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!

પેહલાં તો લાગ્યું કે વેહમ થયો છે!
પછી એવું લાગ્યું કે પ્રેમ થયો છે!
આંખો-આંખોમાં આતો ભારે કરી!
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!

કંઈક કરી દિલને મનાવવું તો પડશે!
પ્રેમ કર્યો! મક્કમ બનાવવું તો પડશે!
પ્રેમ કરી દિલમાં ક્યાં પીડા ઉભી કરી!
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!

વાત તને દિલની કરવી તો પડશે!
 હું'ય તને ચાહું છું કેહવું તો પડશે!
જાત સાથ અરીસામાં વાતો કરી!
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!

દુર હવે એક-મેકથી એમ ક્યાં રહેવાય છે,
હું'ય તને ચાહું છું એમ ક્યાં કેહવાય છે,
 સપનાં જોઈ નેં કેવી રાતો મઢી,
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!

પણ એક દી અચાનક તારું આવીને મળવું!
મારી સામે જોઈ ને આંખોનું ઢળવું,
અઢી અક્ષરની ક્યારે બંધાઈ ગઈ કડી,
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!

આમ જ  જીવનભર હવે સાથે રહીશું,
સાથે જીવીશું ને સાથે મરીશું!
આંખો-આંખોમાં કેવી શરતો કરી,
નાં તને ખબર પડી! નાં મને ખબર પડી!
  

                                                  - 'સત્ય' શિવમ 
                                                    27/4/2013

પ્રેમ કર!




 

મન રાગ-દ્વેષથી તું દુર કર,
 તું પ્રેમ કર! બસ પ્રેમ કર!
ઊઠ જાગ તું'ય કલશોર કર, 
તું પ્રેમ કર! બસ પ્રેમ કર!

ચલ છોડ તું એ જંજાળ ને!
 ઈર્ષા ભરેલ સંસારને!
છૂટો બધો'ય અવેશ કર, 
તું પ્રેમ કર! બસ પ્રેમ કર! 

કેટલો મધુર એક રાગ છે,
ખુશ્બુ ભરેલ એક બાગ છે,
અંતર મહી તું આદેશ કર,
તું પ્રેમ કર! બસ પ્રેમ કર!

ચિંતા ન કર, દુવિધા ન કર,
મળેશ તને'ય! ઈર્ષા ન કર.
મન ભાવથી તું ભરપુર કર,
તું પ્રેમ કર! બસ પ્રેમ કર!

ટીપું મળે તો ગાગર બને, 
ગાગર મળે તો સાગર બને.
ચલ તું'ય કર શ્રી ગણેશ કર,
તું પ્રેમ કર! બસ પ્રેમ કર!

શું 'સત્ય' છે? શું જૂઠ છે?
 શું ભેસ છે? શું રૂપ છે?
 વાતો મહી તું મિથ્યા ન કર,
તું પ્રેમ કર! બસ પ્રેમ કર!

                                                            - 'સત્ય' શિવમ  
                                                                 27/4/2013     
 

ચોખ્ખી ચટ વાત





ચોખ્ખી ચટ વાત કરો, ઉખાણાં મને નહિ ફાવે!
આંખોથી આંખોનાં ઈશારા મને નહિ ફાવે!

 ડગ ભરો ક્યાં સાથ મારી! ક્યાં મૂકી દો હાથ આ!
મારગ મહી આ હર ક્ષણે વિસામાં મને નહિ ફાવે!
 
ઊંઘનો હું ત્યાગ દઈ, જાગ્યો અહી વર્ષો લગી!
 કાચી તમારી ઊંઘના બગાસાં મને નહિ ફાવે!

ઈચ્છા બધી છોડી હવે, જીવતાં શીખી લેજો તમે!
હર ઘડી રડતાં હ્રદયનાં નિસાસા મને નહિ ફાવે!

સ્વપ્ન ક્યાં આપો મને, ક્યાં 'સત્ય' આપી દો મને!
અડધી અધુરી આસનાં દિલાસા મને નહિ ફાવે !

                                                                                    - 'સત્ય' શિવમ           
                                                                            27/4/2013

પડઘાં




જ્યાં કરું હું પ્રાર્થના પડઘાં મને સંભળાય છે!
અવાજ મારો ખુદ હવે આવી મને અથડાય છે!

ત્રાસી ગયો લાગે છે ઈશ્વર, એ હવે અકળાય છે!
એટલે તો આભમાં આ વાદળો ટકરાય છે!

સાચું કહું તો આ દશાથી દિલ હવે ગભરાય છે!
હાથ ઝાલી લે ખુદા તારી કમી વર્તાય છે!

કપરાં સમયનાં મારથી એવી દશા બદલાય છે!
રાજસી એક જ્શન પણ માતમ મહી પલટાય છે!

બે ઘુંટ જો જોઈએ તને, તો જામ આપું હું તને! 
કેટલાં જનમની છે તરસ? આખી નદી પી જાય છે!

ક્યાં તો રડું છું આંખથી! ક્યાં તો લખું છું હું ગઝલ!
તોય પણ તુજ ને હજુ આ દર્દ ક્યાં દેખાય છે?

                                                                           - 'સત્ય' શિવમ 

નાં શોધો.....


 

નાં પૂછો સવાલ, નાં કોઈ અર્થ શોધો! 
મારી ગઝલમાં નાં કોઈ તર્ક શોધો!

હું વેહતી નદી છું! ક્યાં હું છું સમંદર!
કોઈ હસ્તરેખામાં નાં મને વ્યર્થ શોધો!

    ઈશ્વર ને નામ! કોઈ રાશી ક્યાં હોય છે?
કુંભ, મકર, તુલા નાં કોઈ કર્ક શોધો!

ઊગવું આથમવું એ સૂરજનું કામ છે!
બેસી નવરાશમાં નાં ઉદય-અસ્ત શોધો!

સૂરત હો સાચી, તો નાં કરશો ઠઠારો!
નાં કોઈ વ્યર્થ મોહરાં નાં કોઈ વર્ખ શોધો!

કળયુગમાં શિવનું કોઈ 'સત્ય'નાં ચકશો!
નાં ડમરું-જટા! નાં કોઈ સર્પ શોધો!  

નાં પૂછો સવાલ, નાં કોઈ અર્થ શોધો! 
મારી ગઝલમાં નાં કોઈ તર્ક શોધો!


                                                                          - 'સત્ય' શિવમ 
                                                                            27/4/2013
    
 
   
   

 

યંત્રવત્ત જીવન

 યંત્રવત્ત જીવન.....




નાં લાગણી! નાં પિડા! બસ યંત્રવત્ત જીવન,
નાં સરહદો! નાં સીમાં! બસ યંત્રવત્ત જીવન.

નાં માનવીનાં ધર્મો! નાં કોઈ શેષ કર્મો!
નાં કોઈ સ્વપ્ન સેવન! બસ યંત્રવત્ત જીવન.

નાં કોઈ દિવ્ય દ્રષ્ટિ! નાં કોઈ સ્વપ્ન સૃષ્ટિ!
નાં લાગણીની પૃષ્ટિ! બસ યંત્રવત્ત જીવન.

 આકાશ નાહીં ધરતી! નાં ઓટ નાહીં ભરતી!
નાહીં દિશાનાં દર્શન! બસ યંત્રવત્ત જીવન.

નાં ભૂતનાં વિચારો! નાં ભાવિનાં ચિતારો!
નાં વર્તમાન લેખન! બસ યંત્રવત્ત જીવન.

નાં કોઈ શેષ ઈચ્છા! નાં કોઈ 'સત્ય' મિથ્યા!
નાં મોત નાહીં તર્પણ! બસ યંત્રવત્ત જીવન.

                                         - 'સત્ય' શિવમ

Thursday 25 April 2013

ના મને ઈશ્વર પર વિશ્વાસ છે!
ના માનવ હોવા પર ગર્વ છે!
કેમ કે, ના માનવમાં માનવતા બચી છે.
ના ઈશ્વરને માનવીને સુધારવામાં રસ છે.!!
લાગે છે ઈશ્વરનું ખાતું પણ ભારત સરકાર જેવું થઇ ગયું છે!
બસ ખેલ જોયા કરો!

બળાત્કાર માત્ર એ નાની બાળકી પર જ નહિ પણ
સંપૂર્ણ સ્ત્રી જાતિની લાગણીઓનો થયો છે.
અને ગણતરીનાં એ અભદ્ર વિચારો ધરાવતાં,
રાક્ષસોને કારણે સંપૂર્ણ પુરુષ જાત બદનામ થાય છે!
      
જો તમારામાં હજુ એક માનવ જાગતો હોય તો આ વિચારને
share કરો. અને મારા વિચાર સાથે સહમત હો તો like કરો.
જાગો હવે માત્ર દેખી રેહવાથી કંઈજ  નહિ વળે....


"માનવને ઊગવા માટે તડકાની નહિ ભડકાંની જરૂરત પડે છે"......... 

 

                                                                                 - 'સત્ય' શિવમ

 

 

 
      

Saturday 13 April 2013

તારા દીધેલ એ ઝખ્મોનું
તને કોઈ વળતર તો મળે,
આપ કલમ હું કોઈ ગઝલ લખું ......
                                       - 'સત્ય' શિવમ 
 

Tuesday 9 April 2013

મને પ્રેમ આપો............!







વર્ષોથી ભૂખ્યો છું મને પ્રેમ આપો!
ચાતક સમ તરસ્યો છું મને પ્રેમ આપો! 

લાખોની વસ્તીમાં એકલો છું કેવો!
લોકોથી અળગો છું મને પ્રેમ આપો!
 
એકલતા મારી જાણે ભરખી ગઈ મુજને,
ચીસ પાડી કંણસ્યો છું મને પ્રેમ આપો!
 
કપરો આ તાપ એમાં, કપરો છે રસ્તો!
ઠોકર ખઈ લથડ્યો છું મને પ્રેમ આપો!
 
ઈશ્વરને છોડી હું તમને ભજ્યો છું!
તમને હું સ્પર્શ્યો છું મને પ્રેમ આપો!     
 
જીવન મરજીવો થઇ જીવ્યો છું એવું!
મોત લઇ ડૂબ્યો છું મને પ્રેમ આપો!
 
બાળી હું ખુદને પ્રકાશું છું જગને!
દીવો જળહળતો છું મને પ્રેમ આપો!
 
જીવન-મરણમાં એક ડગનું છે અંતર,
શ્વાસ થઇ અટક્યો છું મને પ્રેમ આપો!
 
કોણ જાણે કિસ્મતમાં પ્રતિક્ષા છે કેવી?
સાત જન્મોથી તડપ્યો છું મને પ્રેમ આપો!
 
કલ્પનાં ને યાદોમાં વીતે છે જીવન!
સ્મરણોથી જીવતો છું મને પ્રેમ આપો!
 
આ અંધારી રાતોનું 'સત્ય' પણ છે કેવું!
સ્વપ્નો લઇ સુતો છું મને પ્રેમ આપો! 
 
                                      - 'સત્ય' શિવમ 
                                          9/4/2013

Monday 8 April 2013

તો જાઉં બચી............!







ક્યાંક ઈશ્વર મળે તો જાઉં બચી!
એ સ્પર્શે મને તો જાઉં બચી!
 
સુરજમુખી થઇ હું કરમાઈ ન જાઉં!
ક્યાંક તડકો મળે તો જાઉં બચી!
 
 આ સ્વર્ગ કે ધરતી? ક્યાં ઈશ્વરનું ઘર છે!
કોઈ રસ્તો મળે તો જાઉં બચી!
 
અસમંજસ છે કલ્પોની પૂછી રહ્યો છું!
કોઈ ઉત્તર મળે તો જાઉં બચી!
 
દ્વાર કોઈ ઈશ્વરનો શોધીને આપો!
કોઈ પરચો મળે તો જાઉં બચી!
 
તાવીજ સમજી જે સંઘરી હું રાખું,
એ પથ્થર મળે તો જાઉં બચી!
 
આ દર્દ છે કેવું? કોઈ ઈલાજ તો આપો!
 કોઈ કળતર મળે તો જાઉં બચી!
 
ઝખ્મો ઉઘાડાં આ દિલનાં થયા છે!
કોઈ અસ્તર મળે તો જાઉં બચી!
 
 આઘેથી ખુશીઓના મૃગજળ તો જોયા!
ક્યાંક સાગર મળે તો જાઉં બચી! 
 
 
 
 
હાથ ખોલી હું ઉપર નજરો કરું છું!
કોઈ પકડે મને તો જાઉં બચી!
 
'સત્ય'નાં માર્ગ પર ચાલી રહ્યો છું!  
હવે મંઝીલ મળે તો જાઉં બચી!

                                           
                                                      - 'સત્ય' શિવમ 
                                                         8/4/2013
   
 
 
 

  
 
 
 
 

Sunday 7 April 2013

યાદ રાખીશ..........!







એણે કર્યો જે હાલ મારો યાદ રાખીશ!,
છોડી ગઈ એ હાથ મારો યાદ રાખીશ!

યાદ રાખીશ! થઇ હવા સુગંધ લઇ ગઈ!
એ લઇ ગઈ છે બાગ મારો યાદ રાખીશ! 

એ સરગમો ને સુર બધા ચોરીને લઇ ગઈ,
ને લઇ ગઈ છે રાગ મારો યાદ રાખીશ! 

ના કહું હું દાસ્તાન એની વફાઇની! તેથી-
એ લઇ ગઈ અવાજ મારો યાદ રાખીશ!

દર્દ દીધું તે છતાં કોઈ વેદના ક્યાં થાય છે?
એ લઇ ગઈ આઘાત મારો યાદ રાખીશ!    

થઇ જળ સમો એનાં મહી એવો ભળી ગયો!
એ લઇ ગઈ આકાર મારો યાદ રાખીશ!

ઉતરી ગઈ તું એ હદે, ભૂલું તને તો કેમ હું?
છોડી ગયી તું દાગ તારો યાદ રાખીશ! 

  જીવતો રહ્યો હરે'ક પળ એની ખુશી ખાતર,
ભૂલી ગઈ એ ત્યાગ મારો યાદ રાખીશ!

'સત્ય' થઇને ના મળી, ને કલ્પનાં પણ લઇ ગઈ!
એ લઇ ગઈ અભાસ મારો યાદ રાખીશ!

                                                    
                                       - 'સત્ય' શિવમ
                                          7/4/2013 

Wednesday 3 April 2013

તું કહે છે એટલે હસું છું,
બાકી રડવા માટે કારણ ઘણા છે.....................