Monday 25 February 2013

માનવતાની ચોરી ......

માનવતાની ચોરી ......

 
મિત્રો આ કવિતામાં મારે કઈક એવું કેહવું છે. જે આપણે બધાંએ જોયું પણ છે. અને અનુભવ્યું પણ છે.  પણ છતાં આપણે બધાં ચુપ છીએ. ધર્મજ્ઞાનની વાતો ગીતા, કુરાન, બાઈબલ બધામાં જે લખ્યું છે એ બધું બસ વાતો બનીને રહી ગયું છે. ઘરનાં કોઈ ખૂણાંમાં ધર્મગ્રંથો બસ ધૂળ ખાતાં પડયા રહે છે. ભગવાનનાં નામે લાખોનાં દાન થાય છે પણ ગરીબને કે ભિખારીને માત્ર રૂપિયા -બે રૂપિયા જ ધરવામાં આવે છે. આવું તો ઘણું છે જે આપણે જાણીએ છીએ પણ કશું જ કરી શકતા નથી .... કદાચ કળયુગનાં દરેક માનવનાં દિલમાંથી માનવતાની ચોરી થઇ લાગે છે.  મારી આ કવિતાથી જે સંદેશો મારે તમારા સુધી પહોચાડવો છે. એ સંદેશો તમને મળે તો આગળ બીજાં ને પણ મોકલજો. કદાચ એ ચોરી થયેલું ધન પાછું મળી આવે ...!!!!       



શું થયું? કેવી રીતે થયું?
કેટલા માર્યા? અહીં કોને પડી છે?
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.
   
વિત્યો સમય, ને સમયની ઠોકરથી,
ગીતા કુરાન પણ કોરી પડી છે.
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

મૂરત સામે અહિ લાખો ઢળે છે,
ભૂખ્યા માટે બસ કોડી પડી છે.
 સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

લાલચની દિલમાં ઉછળે છે છોળો,
પારકાં ધનથી નિયત ખોરી થઇ છે.
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

અમિરોનાં ઘરમાં દીવા બળે છે,
અંધારી ગરીબની ખોલી પડી છે.
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

જગમાં સૌને બસ જોઈએ છે પૈસો,
નીલામીએ સબંધોની પુંજી ચડી છે.
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

દેખાદેખીથી માણસ આંધળો થયો છે,
આંખો'ય સઘળી હવે મોતીયે ચડી છે.
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

 શાણપણનાં લોકો બસ પેહરે છે મોહરા,
મતલબની ભાષા સૌની જીભે ચડી છે.
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

અને આ એક વ્યંગ એવા લોકો માટે છે. જે લોકોને તર્ક કરવાની આદત હોય છે. અને પોતે એવા ભ્રમમાં જીવે છે કે એ લોકો કોઈ પણ વ્યક્તિને જોઈ એનું વ્યક્તિત્વ પિછાણી લે છે. પણ જયારે તર્ક અને પરિણામમાં સમન્વય નથી બેસતો ત્યારે ભોઠા પડી મોઢું વકાસી ઊભા રહે છે. હા હા હા હા ...... :) આવા લોકોની જોકે અહિયાં આજ કાલ કમી પણ નથી ... ( અંગત અનુભવ પરથી ....)
 
સૌપ્રથમ તો સૌ મોઢાં ચકાસે,
ભોઠા પડી પછી મોઢું વાકાસે 
 જજ બનવાની જાણે ફેશન થઇ છે 
સાચું કહું તો માનવનાં દિલમાંથી,
માનવતાની અહિયાં ચોરી થઇ છે.

                       -  'સત્ય' શિવમ 
  






 
 


Sunday 24 February 2013

નિત નવા ચેહરા ......

નિત નવા ચેહરા ......





નિત નવા ચેહરા હું જોતો રહું છું,
લખું છું કલમથી ને કોરો રહું છું.

ફૂલ ઇચ્છાઓના ચુંટી ભરતો રહું છું,
કારણ વગર સંસારમાં ફરતો રહું છું.

રોજ બે-ચાર પાપ બીજા કરતો રહું છું,
ને ફરી વેહતી ગંગામાં એ ધોતો રહું છું.

પથ્થરનાં ભગવાનથી હું ડરતો રહું છું,
 હાથમાં મંજીરા લઇ બસ ભજતો રહું છું.

મસ્કાઓનો થાળ ત્યાં હું ધરતો રહું છું,
 ને રોજ નવી માંગણી હું કરતો રહું છું.

જાણું છું એક દી ચાલ્યો જવાનો અહીંથી,
તોય બેકારમાં મોતથી હું ડરતો રહું છું.

જનુનમાં ને જનુંનમાં જીતી લઉં છું જગને,
    ખુદ સામે જ ઘુંટ હારનાં હું ભરતો રહું છું.     

જીવતે જીવતર ડૂબી હું આખી આયુ પ્રેમમાં,
'સત્ય' જો મર્યા પછી શબ થઇ તરતો રહું છું.
 
                                        - 'સત્ય' શિવમ  

આવી જજો......

આવી જજો......
 
 

શ્રી।। મેં ઘરનાં બારણે લખ્યું છે,
બસ સમયસર પગલાં પાડી જજો.

જરૂરત છે તમારી ડગલે ને પગલે,
ઠોકર નડે ત્યાં હાથ ઝાલી જજો.

આવજો સાથે ચાલવાનો છે રસ્તો,
મંઝિલ થઇ મંઝિલ બતાવી જજો.

સોને મઢવાની જરૂરત પણ ક્યાં છે?
બસ નામ પથ્થર પર ટંકાવી જજો.

ઊઠવા સવારે તમારી જરૂરત પડે છે.
પરોઢિયે સાદ મીઠો પાડી જજો .

 ફૂલ બની હું ખીલું વળી જ્યાં જ્યાં,
ઝાંકળ બની ત્યાં ત્યાં આવી જજો.

જોઈ પ્રેમ આપણો સૌ ભડકે છે,
થઇ મલ્હાર આગ એ બુઝાવી જજો.

ઘરની દિવાલો રાહ તમારી જુએ છે,
સારા મુહરતીયે થાપા પડી જજો.

લક્ષ્મી જેવા શુભ પગલા છે તમારા,
ભાગ અમારા પણ જગાવી જજો. 

તમારા સપના જ ક્યાં લગી જોયા કરું હું?
'સત્ય' થઇ સાથ આયુ વિતાવી જજો.

                                 - 'સત્ય' શિવમ 

Saturday 16 February 2013

ચાલ ફરીથી .......

ચાલ ફરીથી .......



ચાલ ફરીથી આજે  કોઈ કાગળ કલમ બનીએ ,
પ્રેમની ચાલ પ્રેમથી ભરેલી, કોઈ નઝમ બનીએ.

છોડીએ બધી જફાઓ ચાલ,આ સ્વાર્થી દુનિયાની,
હસતા આપણે હસાવીએ સૌને, ચાલ હઝલ બનીએ.

બેબાકળા થઇ દોડે છે જો બધા'ય આખા ગામમાં,
 નિરાંત આપીએ સૌને, કોઈ ખેતમાં ફસલ બનીએ.

પ્રેમમાં સાથે જ્યાં, ડગ માંડી જ દીધા છે તો ,
પાછાના વળાય હવે ચાલ સફર બનીએ.   

અડધા સફરમાં આમ, હાથ છોડી તો ના દે!
માર્ગ હજુ ઘણો બાકી છે ચાલ મંઝલ બનીએ.

 કડવા સત્યની જ તો, પ્રથા રહી છે સમાજની,
ચાલ મીઠું પરોઢીયાનું કોઈ સ્વપ્ન બનીએ.

ઠોકરોથી મળતા દર્દમાં હવે મજા જ ક્યાં છે ?
ચાલને આ દિલનું મીઠું, કોઈ દર્દ બનીએ.
 
ચાલને કોઈ સ્વર્ગમાં, સાથે વિતાવશું આયુ !
સ્વપ્નમાં શું રાખ્યું છે ? ચાલને 'સત્ય' બનીએ.   

                                                 - 'સત્ય' શિવમ 

બની જા ........

બની જા ........
 
 
તું ઝરમર વરસતું પાણી બની જા, હું બની જઉં વાદળ.
પ્રેમની કોઈ કલમ તું બની જા, હું બની જઉં કાગળ.

તાજી ઊગેલી સવાર તું બની જા, વસંત જેવી સરભર.
કોઈ મેહેકતું ફૂલ તું બની જા, હું બની જાઉં ઝાકળ.
 
પ્રેમનો તું કોઈ તું પત્ર બની જા, હું બની જઉં અત્તર,
 શેરના મારા તું શબ્દો બની જા, હું બની જઉં ગઝલ.
 
પ્રેમ રસ બની તું મુજને ભરી જા, હું બની જઉં ગાગર.
 ચંચળ ઊછળતું કોઈ મોજું બની જા, હું બની સાગર.
 
પૂનમની કોઈ રાત તું બની જા, દુલહન જેવી સુંદર.    
 જગમગ તું આખું આભ તું બની જા, હું બની જઉં ચંદર.
 
ખળખળ વેહતી કોઈ નદી તું બની જા, હું બની જઉં પર્વત.
 ઉછળતી કુદતી તું મુંજને મળી જા, હું બની જઉં સાગર.
 
શ્વાસ જેવું અકળ 'સત્ય' તું બની જા,  આ આયુ તુજને નિર્ભર,
મીઠું સ્વપ્ન થઇ તું મુજને મળી જા , હું બની જઉં પાપણ. 
    
                                                            - 'સત્ય' શિવમ 

Friday 15 February 2013

કેટલું કઠીન છે .......


કેટલું કઠીન છે .......








કેટલું કઠીન છે જો રેહવું હવે એક પળ તારા વિના,
જાણે રાતનું આકાશ સુનું ચન્દ્ર ને તારા વિના.

કળી જાણે ખરી જાય કોઈ એમ જ હવે ખીલ્યા વિના ,
કે ઢાલ પણ છોડી દે સાથ તલવારને ઝીલ્યા વિના.

વહાણ પણ ડૂબી ગયા મધદરિયે હવે તર્યા વિના ,
 શૃંગાર જાણે સુનો થયો તારી નજરે નીરખ્યા વિના.

સૂર્ય પણ ઢળતો ગયો જાણે રાતના ઢળ્યા વિના,
સંસાર જાણે સુનો જ લાગે બે ઘડી પણ તારા વિના.

હર જગા આભાસથી તારા સ્પર્શને ઝૂરતો રહું,
 કેમ તું ચાલી ગઈ આજે આમ મલકાયા વિના.

હોય છો સુંદર ભલે પણ આ રૂપનો છે અર્થ શો?
 ખીલ્યા વિના જ વૃધ્ધ થઇ જાય તુજથી સ્પર્શાયા વિના.

વીતી ગઈ આ ઈદ પણ એમ જ તારી રાહમાં ,
રાત એમ જ વીતી ગઈ ચાંદ દેખાયા વિના.

જામ ખાલી થઇ રહ્યો છે આજ મેહ્ખાને બધા,
સુરા જાણે તરસ્યા રહ્યા આજ મેહ્ખાના વિના.

ચાતક સમો હું તારી ખાતર આખી આયુ તરસ્યો રહ્યો,
હરણું જાણે ઢળી ગયું કોઈ મૃગજળને સ્પર્શ્યા વિના.

આખી આયુ 'સત્ય' એમ જ તારી ખાતર તરસ્યો રહ્યો ,
ઝેર જાણે રહી ગયું કોઈ એમ જ પરખાયા વિના.

                                           
                                                   - 'સત્ય' શિવમ 
 
 

કારણ તો મળે .....

કારણ તો મળે .....





આ જમાનો કહે છે કે હું ભૂલી જાઉં તને ,
પણ તને ભૂલવા મને કોઈ કારણ તો મળે.

જીવી તો જાઉં જિંદગી તારા વિના કદાચ હું,
પણ એ જિંદગી જીવવા મને કોઈ કારણ તો મળે.

રોકી પણ લઉં કદાચ એ આંસુઓને એકવાર,  
એ વેહતી આંખોને રોકવા કોઈ કારણ તો મળે.

આશાઓ પણ હવે ઝાંખી દેખાય છે મને. 
દીપક બુજાવી પણ દઉં!
પણ એ દીપક બુજાવવા મને કોઈ કારણ તો મળે. 

જયારે તું હોય છે મારી સાથે સપનું જ લાગે છે મને,
એ સ્વપ્નમાંથી જાગવા મને કોઈ કારણ તો મળે.

જો ભ્રમ હોય તો આખી આયુ આમ જ જીવવું છે મારે,
 એ ' સત્ય 'ને પારખવા બીજું કોઈ કારણ તો મળે.

                                                   
                                                   - ' સત્ય '  શિવમ 

અંધકાર


અંધકાર  





 ઓરડાના કોરા ખૂણામાં આજે હું બેસી રહ્યો ,
બારીમાંથી ડોક કરતા પ્રકાશને દેખી રહ્યો.

બોલી રહ્યો તો સમાજ જ્યાં મોભની વાચા બધે,
ત્યારે હું બે ઘડી બસ વ્યંગથી હસી રહ્યો.

જોતો રહ્યો મેહફીલ ઘણી સ્વાર્થના સંબંધની,
ત્યારે ત્યારે લાગણીની મજાક હું બની રહ્યો.

વલખી રહ્યો તો હું સદા પેલા પ્રકાશને સ્પર્શવા,
ત્યારે ત્યારે અંધકાર મને મૂળથી ઘેરી રહ્યો.  

ઝાંકળ બનીને આંખમાં આંસુ ઘણા આવી ગયા ,
જયારે મારા પ્રેમને મુજથી જુદો થતા જોઈ રહ્યો.

મથી રહ્યો છું તોડવા આ અંધકારની જાળને ,
ઠોકરોના મારથી હું છેવટે થાકી રહ્યો.

વલખી રહ્યો છું હું હજુ સ્પર્શવા એ હાથને,
જે મને મજધારમાં એકલો છોડી રહ્યો.

કરતો રહ્યો કપરી કસોટી 'સત્ય'ની જ તું ઓ ખુદા,
આખી આયુ અંધકારમાં હું પ્રકાશને તડપી રહ્યો.

                                                
                                                  - ' સત્ય ' શિવમ  
    

Saturday 9 February 2013

કબર સ્વપ્નની ........

કબર સ્વપ્નની ........ 





 
દંભી હસીથી હું આસું મારા છુપાવી રહ્યો છું ,
હાલ-એ-દિલ જે છે નહિ, સૌને બતાવી રહ્યો છું.

જીવ વિનાનો દેહ કેટલો સજાવી રહ્યો છું,
નીલામી ખાતર ભર બજારે બતાવી રહ્યો છું.

શું કરું જો થાકી ગયો તપતા જિંદગીના રણમાં,
લોહીથી જ ખુદ પ્યાસ મારી હું બુઝાવી રહ્યો છું.

બે-ચાર વાતમાં જિંદગી તો ક્યાંથી પતી જવાની?
સમયના અભાવથી જિંદગી હું ટુંકાવી રહ્યો છું.

મહોબ્બતની આગના દિલમાં ભડકા ઘણા થયા,
આજે ખુદ ખુદની જ ચિતા હું જલાવી રહ્યો છું.

દુનિયાનો સાચો ચેહરો હવે જોવો જ છે મારે,
પરદા બધા એટલે જ હું હટાવી રહ્યો છું.

કેહવાય છે કે ખુદા એમ તો ખૂશીઓ આપે છે ઘણી ,
જખ્મો દીધા છે મને કેટલા એ હું ગણાવી રહ્યો છું.

ભલે મળતી હવે હવા આ હૃદયની આગને,
આ તાપણીમાં ભાવનાઓ હું જલાવી રહ્યો છું.

હાર માનવી એતો નિર્બળનો ગુણ હોય છે ,
 એટલે જ આશાનો દીપક હું જલાવી રહ્યો છું.

પ્રેમને હું જ મારા હવે હારતા જોતો રહું,
કેવો સમય નજરો નજર તું બતાવી રહ્યો છું.

માફ કર એ ખુદા મારાથી એ બનશે નહિ ,
એટલે જ હું સેજ-શૈયા મારી સજાવી રહ્યો છું.

પ્રેમમાં કેવી ગુલાબ જેવી જીવતો હતો હું જિંદગી,
યાદ કરી એજ હું આયુ આખી વિતાવી રહ્યો છું  






અત્તર બનાવવા ગુલાબને તમે મસળી જ નાખો,
કાંટા બધા હાથથી જ હું હટાવી રહ્યો છું.

' સત્ય ' છે બસ એટલું કે મરું છું કટકે કટકે,
એટલે જ કબર સ્વપ્નની હું બનાવી રહ્યો છું.

                                                   - ' સત્ય ' શિવમ  
 

   

Friday 8 February 2013

યાદ અને અભાસ

યાદ અને અભાસ 




 ફર્ક કરું તો કેમ કરું હું તારી યાદ ને અભાસમાં ?
તારું નામ છે જ્યાં દરેક ધબકાર ને હર શ્વાસમાં.

સમય સાથ ન આપે તો શું થયું? જીવવાનું છોડી દઉ??
ઘણી વાર ઉગતા નથી તારા એમ જ આકાશમાં.

દરેક પ્રેમ કુરબાની માંગે છે પ્રયત્નોની સાથે,
બાકી સમય સરી જ જાય છે નસીબની રાહમાં.

આજે નહિ તો કાલે મિલનતો થવાનો જ હતો, 
એટલે જ પકડ્યો તો એ હાથ મારા હાથમાં .

અંજામ પેહલા જ તારો વિશ્વાસ કેમ ડગી ગયો ?
હાથ કેમ છોડી દીધો આમ તે મજધારમાં ?

જીવવું કઠીન બની જાય છે શ્વાસ ને આત્મ વિના,
ફિલસુફીના સમજીશ કોઈ પણ મારી આ વાતમાં.

એકલા હાથે જ જો આ બાજી હું લડતો રહું ,
તો ખોટ રહી જશે પ્રેમના તારા જ સાથમાં.

રડવા માંગું છું તોય પણ આંસુ જ નથી આવતા,
વાસ તારો જ લાગે છે મારી આ આંખમાં.

કોઈ તો કહે કે આપણાં પ્રેમમાં કોઈ ખોટ છે,
પ્રેમ તો બમણો બને છે વિરહના સંતાપમાં .

આ સમય જો સાથ ન આપે તો શું થયું ?
   ખોટ ક્યાંય નહિ આવવા દુઉ હું મારા સાથમાં.

કારણ નથી માંગતો હું આ અંણધારી જુદાઈનું,
મિલન થશે જ ખોટ ના રાખીશ તું વિશ્વાસમાં.

આમ જ આ સબંધનો હું અંત કેમ આણી દઉં ?
વિશ્વાસ નથી આવતો હજુ પણ મને એ વાતમાં.

દોડતો આવી જઈશ હું સાદ તું આપી તો જો,
આસું  નહિ આવવા દઉ હું તારી આ આખમાં.
    
વીતતો રહ્યો છે સમય જેમ આ સમય પણ વીતી જશે,
બે મત નથી કોઈ પણ મને એ વાતમાં.

સો મળે ઠોકર છતાં પણ આ આયુ તો જીવવી રહી,
   પ્રેમ સાચો જ જો હારી જાય તો 'સત્ય' શું એ વાતમાં?

                                              - ' સત્ય ' શિવમ 

અપરાધ ....

અપરાધ ....






વિશ્વાસ તારો કરવો ખુદા અપરાધ જાણે થઇ ગયો ,
હાથ ફેલાવી  તારી સામે હું ખાલી રડતો રહી ગયો.

નિર્દોષને તકલીફ આપી તુંય હસતો થઇ ગયો,
નિસહાય નજરોથી ખાલી હું તુજને જોતો રહી ગયો.

આદમી જેવો મતલબી સંસાર તારો થઇ ગયો ,
બસ જરૂરતના સમયે જ તું ખેલ જોતો રહી ગયો.

મોહ અને લાલચ ભર્યા તું ખેલ રચતો થઇ ગયો,
આદમી જ જો આદમીમાં ભેદ કરતો થઇ ગયો.

આદમી જો પ્રેમનો પણ ભાવ કરતો થઇ ગયો,
સઘળા જીવનના છોડી સરખામણીમાં રહી ગયો.

તોડી રહ્યો તે પ્રેમને બેફામ સબંધના નામ પર,
સંસારની અંધારી ગુફામાં પ્રેમનો પડઘો રહી ગયો.

સમજી શકે જો તુંય મુજ ને એહસાન એક કરતો જજે ,
શું કરું જીવી ને હું આયુ મારો અર્થ નિરર્થક થઇ ગયો.

હસતો હશે તુંય મુજ પર, ગર્વ પણ કરતો હશે ,
કે ગ્રંથ કોરો ' સત્ય 'ની વારતા નો રહી ગયો.

                                        - ' સત્ય ' શિવમ    

તું અને હું .....

 તું અને હું .....


એ શું કે તું ચાહે મને અને હું તને !
ને આ જોઈને દુનિયા આખી એકલી ભડકે જલે.

 આગ પ્રેમની બુજાવવા લાખ પ્રયત્નો કોઈ કરે !  
આ આગ ને બુજાવતા આખે અખો પોતે જલે.

તાકાત હોય જો કોઈની છુટા કરવા લાખ મથે,
ખુદા મારો છે સાથ અમારે કોઈ સામે ક્યાંથી ટકે ?

લાગણીનો આવેશ છે! આજ એની ટોચ ઉપર ,
આગ હ્રદયમાં પ્રેમની હવે આખી આયુ જલે.

' સત્ય ' છે પ્રેમ અમારો છો જુઠલાવા કોઈ માથે ,
પ્રેમ છે અદાલત નહિ કે સત્ય ને ખોટા કરે.

                                           - ' સત્ય ' શિવમ  

શું કહું તને હું ?

શું કહું તને હું ? 


શું કહું તને હું ? કે તું કોના જેવી છે ?
દરિયામાં ઉછાળતા ચંચળ મોજા જેવી છે.

માર્ગ છે તું જ મારો! તુંજ મારી કેડી છે! 
તુંજ તો છે સાથી મારી ! માર્ગદર્શક જેવી છે!

તું ન હતી, તો ન હતું , કોઈ લક્ષ્ય ના કોઈ કારણ,
જીવી રહ્યો છું તારે કારણ તું શ્વાસ જેવી છે .

ન હતો કોઈ ખુદા મારો , ન હતી કોઈ બંદગી ,
તારી સામે જુકી ગયો છું તું મંદિર જેવી છે.

હોય છે જયારે તું મુજ સાથે તો વિશ્વ મારી સાથ ,
હવે તુંજ છે સંસાર મારો , તું જ દુનિયા જેવી છે .

જો સાથ તારો હોય તો જીવી જાઉં આખી આયુ ,
જો સાથ તું જ ન હોય તો દુનિયા માતમ જેવી છે.

' સત્ય ' કહું છું તુજ ને કે પ્રાણ છે તું જ મારો ,
હૃદય ધબકે છે તુજ ખાતર તું આતમ જેવી છે.


                                      - ' સત્ય ' શિવમ
 

કદાચ એ પ્રેમ જ છે .........

કદાચ એ પ્રેમ જ છે .........



કદાચ એ પ્રેમ ન પણ હોય દોસ્ત ,
પણ તારો સાથ મને ગમે છે,
એ તારું સ્મિત મને ગમે છે,
એ  તારી આંખો મને ગમે છે.

એ શરમથી જયારે તારી જુકે છે નજર,
ત્યારે ત્યારે અહી લખાય છે ગઝલ ,
એ ગઝલનો હર એક શેર મને ગમે છે,
તારી માટે ગઝલ થઇ જવું મને ગમે છે.

એ ફૂલો જેવી તારી કોમલ કાયા,
એ સાગર જેવું તારું સ્મિત ,
એ કલરવ જેવી તારી વાતો મને ગમે છે ,
એ ગુલાબ જેવી તારી ખુશ્બુ મને ગમે છે.

એ તને જોઈ મારા શ્વાસો નું વધવું ,
તને યાદ કરી મારા દિલનું ધડકવું ,
મને જોઈ તારું શરમાઈ જવું મને ગમે છે,
તારું મારી સામે જોઈ હસવું મને ગમે છે.

 એ તને યાદ કરી મારું મલકવું ,
અને પછી હસતા હસતા આંસુનું વરસવું ,
રોજ સ્વપ્નોમાં તને મળવું મને ગમે છે,
એ હાથમાં હાથ નાખી ફરવું મને ગમે છે.

જોવે છે જયારે પ્રેમથી તું એક જલક,
તેજ ક્ષણ હોય છે મર આકાશ ને ફલક,
તારા દિલમાં હર પલ રેહવું મને ગમે છે,
તને જ ખુદા કેહવું મને ગમે છે.     
        
કદાચ એ પ્રેમ જ છે એ દોસ્ત ....
એટલે જ તારો સાથ મને ગમે છે ..

                          - ' સત્ય ' શિવમ 

યાદ

યાદ 






તમને યાદ કરી જીવવું આદત છે અમારી ,
નજરોથી કતલ કરવું ફિતરત છે તમારી.

કુદરત પણ જોઈ તમને રોજ ઈર્ષા કરે છે,
ચાંદની ચાંદ ની પણ આશક છે તમારી.

સુરજ પણ જોઈ તમને હવે ઉગ્યા કરે છે,
એની જળહળતી અભા અસર છે તમારી.

પડખું ફેરવી રાતનું દિવસ ઉગ્યો હોય જાણે,
જાણે હોય કોઈ મીઠી એ કરવટ તમારી.

સ્પર્શી મને પણ હવે પાવન કરી દો ,
મને પણ જોઈએ છે હવે રેહમત તમારી.

ભલે પ્રેમને મારા તમે ગાંડપણ કહી દો,
આ ગાંડપણની દોશી એ નજર છે તમારી.

આકાશને ધારા પણ જાણે ફિકાં પડ્યા છે,
આ ફૂલોનેય ખીલવા જરૂરત છે તમારી.

ઘર ભણી તમારા મેં ડગ માંડી દીધા છે,
શોધું છું ક્યાં ક્યાં છે કેડી તમારી.   

તમારી ઝલકને હું વલખી રહ્યો છું,
ચાતક સમી મને પણ તરસ છે તમારી.

રસ્તા ય સઘળા જાણે મેહ્કી રહ્યા છે,
જાણે આવવાની મીઠી કોઈ ખબર છે તમારી.

વિરહનું થઇ વાદળ હું વરસી રહ્યો છું,
આવો હવે કે વીતી આ આયુ અમારી.

' સત્ય ' આખરે તો દફન થઇ જવાનું     
 કબર ત્યાંજ કરશું જ્યાં સફર છે તમારી.

                                 - ' સત્ય '  શિવમ 
 
  

જ્વાળામુખી પ્રેમના .....

જ્વાળામુખી પ્રેમના .....




જ્વાળામુખી જો પ્રેમના બંન્ને તરફ સરખા બળે ,
લાગણીની આગના બન્ને તરફ ભડકા બળે .

ભાવનાની પરિક્ષા જો કદી એ ખુદા કરે ,
જંખના આ પ્રેમની કસોટીએ સાચી ઠરે.

ઉદય કરે પ્રભાતનો એ અંત સંધ્યાનો કરે,
જનુન છે આ પ્રેમનું એ સમયની ક્યાં પરવા કરે.

છો જુદાં હો દેહ બે ભલે જગત અંતર કરે ,
છે આત્મા એક આપણો દુર કોઈ ક્યાંથી કરે.

અચળ છે પ્રેમ આ પણ કરિશ્મા પણ એવા કરે ,
યમરાજના એ  હાથથી પણ ખેંચી ને ઉભા કરે.

ઉજાસ છે પ્રકાશ છે લાગણી આ પ્રેમની,
રાતના એ અંધકારની પ્રેમ ક્યાં પરવાહ કરે.

છો ને મથતા તોડવા આખી આયુ પ્રેમને,
' સત્ય ' એ કે જોઈ પ્રેમને લોક આખું બળ્યા કરે.

                                             - ' સત્ય ' શિવમ




.

શું માગું .........???


 


શું માગું  .........???
 
 
 
 
 
 
 
માંગું હવે તો શું માંગું ઓ ખુદા તારી પાસે ,
જયારે તું બે પળ ખુશીની જ દઈ નથી શકતો.


લાગે છે સ્વભાવ તારો પણ આ ચંચળ હૃદય જેવો જ છે,
દુઃખી કર્યા વિના તુંય પણ જાઝું રહી નથી શકતો.
 
ભલે ઝૂકતી હોય આ દુનિયા સો વાર તારી સામે,
પણ હું આ મુરતની સામે હવે જુકી નથી શકતો.
 
કદાચ હુંય પણ તારા જેવો જ અહંકારી દિલનો જ છું,
એટલે જ તારી સામે હું પણ નમી નથી શકતો.
 
થશે જરૂર એકાદ વાર ક્યાંક ભેટો તારો ને મારો,
હવે તો હું પણ તને મળ્યા વિના રહી નથી શકતો.
 
હજું થાય તો તાકાત કરી લેજે સો વાર મને તોડવા,
અડગ માનવીનો વિશ્વાસ ખુદ ખુદા પણ તોડી નથી શકતો.

અહંકારને તોડવા તારા હજુ સો બગાવત કરીશ ,
બળજબરીઓ આ તારી હવે હું સહી નથી શકતો.
 
પ્રેમ કર્યો છે મેં તો હવે હું પ્રાણ પણ હોમી જ દઈશ,
એકલા અટૂલો આ આયુ હવે હું જીવી નથી શકતો    
 
સત્ય એ જ છે કે માર્યા પછી શબ તરતું રહે છે દરીયે ,
જીવતા જીવ જ માનવી દરિયે તરી નથી શકતો.
                     
                                                    - ' સત્ય ' શિવમ