Monday 11 March 2013

મરણ પછી જિંદગી..........

મરણ પછીની જિંદગી.......... 

 
 
આજ કલ્પો બાદ મેં પણ, ઘડી મિલનની જોઈ છે!
મરણ પછી જાણે અચાનક, જિંદગી મેં જોઈ છે.
 
ના રોકશો આજે મને નાદાન કલયુગ વાસીઓ,
રણમાં ભટક્યો દરબદર, આજે નદી મેં જોઈ છે.
 
ફકીર સમજી છોડી દીધો, જેણે મને સંસારમાં,
   બેહાલ આજે એણે પણ બેકાર ફકીરી જોઈ છે.
 
ના તોળશો મુંજને ભલા તમારા સ્વાર્થી ત્રાજવે,
હબકે ચડેલી એમ પણ બેકારી ઘણી મેં જોઈ છે.
 
ધોશો નહિ શિવલિંગ સમજી મને'ય ગંગા ધારથી,
   તમારા પાપોથી ભરેલી, ગંગા નદી મેં જોઈ છે.
 
શું શોધશો પથ્થર મહીથી એમ પણ રત્નો તમે?
ન્યાયની મૂરતને અહીયાં,આંધળી મેં જોઈ છે.
   
તડપી રહ્યો તો સર્પ પણ, એક માનવીનાં ડંખથી!
  નજરો પણ બેફામ મેં, હલાહલ ભરેલી જોઈ છે.
 
હોડમાં ને હોડમાં એ બાજી ઘણી હારી જશે,
જ્ઞાનથી અડધી ભરેલી ગાગર ઘણી મેં જોઈ છે.
 
દુરગુંણોથી પર એવા ઘણા માનવી પણ હોય છે.
સંસારમાં મેં માતને ઈશ્વેર બનેલી જોઈ છે.
 
હુંય જોગી છોડી નીકળ્યો, આ મતલબી સંસારને,
દોગલા મોહરાથી ભરેલી દુનિયા ઘણી મેં જોઈ છે.
 
ને જિંદગીને આખી આયુ 'સત્ય' હું સમજી રહ્યો,
     સાચું કહું તો મોતને મેં, દુલ્હન બનેલી જોઈ છે.    

                                                - 'સત્ય' શિવમ  

મિત્રો, આ ગઝલને વાંચતા એક નજરે તમેન એમ લાગશે કે મેં પ્રેમ અને સાધત્વની વાત મિશ્રણ કર્યું છે. 
પણ, આ ગઝલમાં હું પ્રેમનાં મિલનની નહિ પણ જીવન બાદ દેહનાં મૃત્યુ સાથેનાં મિલનની અને આત્માંનાં મુક્તિ સાથેનાં મિલન ની વાત કરવાં માંગું છું.
 
ગઝલ માટેનું તમારું શું મંતવ્ય છે તમારા વિચારો શું છે જણાવજો ... 
તમારા અભિપ્રાયોની હું રાહ જોઇશ......     

 
 
 
 


Saturday 9 March 2013

ગઝલ અઢી અક્ષરની ............

ગઝલ અઢી અક્ષરની ............ 




અઢી અક્ષરની ગઝલ મેં લખી છે, તું શબ્દો સાચવી રાખજે,
સૂરજ થઈ ભલે ઉગજે શિયાળે, પણ તડકો સાચવી રાખજે.

તું વૃક્ષ છે જો પારીજાતનું, તો પુષ્પો સાચવી રાખજે,
ઊનાળે તું દેજે શીતળતા, તારો છાયો સાચવી રાખજે.

ચાલું છું તારા પગલે, તો એ રસ્તો સાચવી રાખજે.
તું જ તો છે મંઝીલ મારી, મારો મંઝલ સાચવી રાખજે.

મંદિર કર્યું છે તારું હૃદયમાં, તો એ મુરત સાચવી રાખજે,
નમું છું તુજને જ હું નિશદિન, મારો ઈશ્વર સાચવી રાખજે.

સમય છે વીતી જશે એ પણ, તું સમરણો સાચવી રાખજે,
તારો જ છું ને રહીશ હું તારો, બસ વિશ્વાસ સાચવી રાખજે.

મત્સ્ય હું છું ને તું મારું જળ છે, મારો પ્રાણ સાચવી રાખજે,
તારા સહારે હું જીવી રહ્યો છું, મારો શ્વાસ સાચવી રાખજે.

ક્યાંક તું જો વિરહથી બળે, તો એ અશ્કો સાચવી રાખજે,
ના ગણતી તું દિવસો વિરહનાં, એ અંકો સાચવી રાખજે.

જૂઠ થઇ જમાનો સામે ઉભો છે, મારું 'સત્ય' સાચવી રાખજે.
લાઢતો રહીશ હું આખી આયુ, મારું સ્વપ્ન સાચવી રાખજે.

                                                             -  'સત્ય' શિવમ 
 



 


Friday 8 March 2013

આંસુઓ પણ એકલો છોડી ગયા મને .......

આંસુઓ પણ એકલો છોડી ગયા મને .......





આંસુઓ પણ એકલો છોડી ગયા મને,
પાણી થઇ માટીમાં એ ઢોળી ગયા મને.

કાંચ સમજી બેઠા હશે મને પણ એ લોકો ,
ટુકડાઓમાં ચુર ચુર જે તોડી ગયા મને.

જરૂરતની ઘડીએ બસ હાથ તેં છોડી દીધો 
ઠોકર ખાતો એકલો બસ છોડી ગયા મને.

લેતો જા તું પણ થોડો, પ્રાણ છે જે બાકી,
ખજાનો સમજી એમ પણ એ ચોરી ગયા મને.

શોધશે લોકો મને ત્યાં મારા મરણ પછી,
બેદરકાર થઇ જે રાખમાં ખોવી ગયા મને.

તારું લખેલું કદાચ, ગમ્યું નહિ હોય એમને,
એટલે જ એ સાહી સમજી ઢોળી ગયા મને.

બેસી મુરતમાં ખેલ તું, બસ જોતો રહ્યો બધા,
ખેલ સમજી એમજ બસ એ ખેલી ગયા મને.

પ્યાલો પણ તેં ગમનો, ભર્યો તો કેવો સાકી!,
જામ બનાવી એકલો એ પીલાવી ગયા મને.

મેહેકવું એ બાગમાં ગુનો હશે જ કોઈ,
ફૂલ સમજી હાથથી એ ચુંટી ગયા મને.

નામથી બસ તારા, પથ્થરો જ તરતાં હશે,
તારા નામ પર દરિયે એ ડુબોવી ગયા મને. 

રક્ત થઇ આંખથી, આખી આયુ વેહતો રહ્યો,
ને કંકુ સમજી માંગમાં એ લગાવી ગયા મને.

ને હું શાયર આંધળો કલમથી લખતો રહ્યો,
એ 'સત્ય' સમજી ત્રાજવે તોળી ગયા મને.

                                     - 'સત્ય' શિવમ  









યાદનું પારેવું ...

યાદનું પારેવું ...

મોકલ્યો છે ચાંદને કંઈક કેહવા તને ,
જે અત્યાર સુધી તને ઘણી વાર કહી ચુક્યો છું.
કે તું મારી માટે ઈશ્વરની કેટલી મોટી ભેટ છે ..
તું મારી માટે કેટલી ખાસ છે ..!
હું જાણું છું કે તું પણ વિરહનાં આંસુઓ પી રહી છે ... 
પણ આ સમય અને સંજોગો સામે આજે હું અશક્ત છું.
એટલે તને ચાંદના હાથે મારી યાદનું પારેવું મોકલું છું.!!
પણ તું ચિંતાનાં કરીશ.!!!
હું પણ એક વાર આ સમય અને સંજોગોને માત આપી,
તારી પાસે આવીશ........
ત્યાં સુધી સાચવીને રાખજે મારી યાદનું પારેવું ...

                                                   - 'સત્ય' શિવમ
 

Wednesday 6 March 2013

ગઝલ હું લખું .......

ગઝલ હું લખું .......



ક્યાંક આવી મળો તો ગઝલ હું લખું,
હદ વટાવી મળો તો ગઝલ હું લખું.

તાણી છે દિવાલો આ જુલ્મી સમાજે,
એ હટાવી મળો તો ગઝલ હું લખું.

હું જાણું છું સીધો રસ્તો છે તમારો,
મારગ વળી મળો તો ગઝલ હું લખું.

ઉભો છું પાછળ આગળ ચાલ્યાં ગયા તમે,
પાછાં આવી મળો તો ગઝલ હું લખું.

અશક્ત છું હું! મને જરૂરત છે તમારી,
શ્વાસ થઇને મળો તો ગઝલ હું લખું.

સ્વપ્ન થઇ મારે, મળવું છે તમને! ,
આંખ થઇને મળો તો ગઝલ હું લખું.

દિલથી નજીક છો તો અંતર શું કામનું ?
હાથ ઝાલી મળો તો ગઝલ હું લખું.

ઉડવા તો આખું'ય આકાશ છે ખાલી,
 પાંખ થઇને મળો તો ગઝલ હું લખું.

વરશોથી તરસ્યું રણ છું જરા હું,
જળ થઇને મળો તો ગઝલ હું લખું. 

જોઈ તમને લાગે કે જીવું છું હું પણ,
પ્રાણ થઇને મળો તો ગઝલ હું લખું.

સ્વપ્નોથી જ ક્યાંથી વિતશે આ આયુ,
'સત્ય' થઇને મળો તો ગઝલ હું લખું.

                                           - 'સત્ય' શિવમ 

Monday 4 March 2013

તું કેમ છે ??......

 

 તું કેમ છે ??......

 


  
હસતી હરખતી ક્યાંક આવી મળે,
તો હરખાઈ પૂછું કે કેમ છે ??
 
ફૂલ તું ગુલાબ થઇ મુજને અડે,
તો વિસ્મયથી શોધું ક્યાં વેહમ છે?
 
કોઈ વિચાર થઇ ક્યાંક તું આવી ચડે,
તો લાગે કે કુદરતની રેહમ છે.
 
યાદમાં તમારી કોઈ પંક્તિ બને,
તો સમજો કે ભેટ એ સપ્રેમ છે.
 
શરમાઈ ક્યાંક તારી પાપણ ઢળે,
તો લાગે કે દુનિયામાં પ્રેમ છે.
 
મેંહદીનો રંગ ક્યાંક ઘાટો ચડે,
તો સમજુ કે પ્રિયતમની મેહર છે.
 
'સત્ય' થઇ સ્વપ્ન કયાંક આવી મળે,
તો સમજું! આયુ એ ઈશ્વરની ભેટ છે.
 
                           - 'સત્ય' શિવમ 

Sunday 3 March 2013

ગરીબી...........


       ગરીબી...........




ફાટેલી સાડીના ફાટેલાં છેડાંમાં વિસ્મયથી કેવી લપેટાઈ ગરીબી,
કડકડતી ઠંડીની થરથરતી રાતે ટુંટીયું વાળીને સમેટાઈ ગરીબી.

ફૂટપાથનાં નાનકડાં ટુકડા પર લોકોને, ઠોકર થઇ વચમાં અટવાઈ ગરીબી,
ભૂખમરાને રોગોનો શિકાર થઇ આમ જ મરશીયે રોજ ગવાઈ ગરીબી.

મંદિરનાં દ્વારે ને મઝ્જીદનાં દ્વારે, હાથ ફેલાવી માંગતી દેખાઈ ગરીબી,
મોઘવારીને જરૂરિયાતની ચક્કીમાં, ભારોભાર વચ્ચે પીસાઈ ગરીબી.

દિવસનાં પ્રકાશે અંધારા અજવાસે આંખ થઇ એમજ મિંચાઈ ગરીબી,
બેકારીનાં મારથી ચોરીનાં નામે અમીરોમાં કેવી વગોવાઇ ગરીબી.

કાળી બજારીમાં શોષણ થઇ રાત'દી, શેઠોનાં તળિયે ચુંથાઈ ગરીબી,
સમયનાં ચક્કરમાં દુનિયાનાં અક્કરમાં અસ્વસ્થ થઇ એવી ગુંચાઈ ગરીબી.

અમીરોની મોજોમાં લોકોનાં શોખોમાં લજ્જત થઇ કેવી લુંટાઈ ગરીબી,
બે ટાણે ખાવા ને તનને છુપાવા, સરે આમ એમ જ વેચાઈ ગરીબી .

જુગારીનાં સટ્ટામાં દારૂનાં અડ્ડામાં, મેહમાન થઇ કેવી નોતરાઈ ગરીબી,
દુનિયાની લાતોથી બેકારની માંતોથી માંટીમાં કેવી પટકાઈ ગરીબી.

વિકસિત દુનિયાનાં વિકાસશીલ પન્ના પર, ધબ્બો થઇ નકશે ટંકાઇ ગરીબી,
વિકાસનાં નામે સમયની એરણ પર 'સત્ય' થઇ રોજ કપાઈ ગરીબી.

                                                                                 - 'સત્ય' શિવમ  


Friday 1 March 2013

આંસુ અને દરિયાના પાણીમાં,
સામ્યતા બસ ખારાશની જ હોય છે ...
.
.
.
બાકી પાણી તો ખાબોચિયાંમાં પણ હોય છે.
                        
                                       - 'સત્ય' શિવમ